Vadodara Parul University Bomb Threat: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. યુનિવર્સિટી પ્રશાસનને એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક યુનિવર્સિટી કેમ્પસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
પારુલ યુનિ.ને મળ્યો ધમકીભર્યો મેઈલ
વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે યુનિવર્સિટી પ્રશાસને સુરક્ષાના તમામ જરૂરી પગલાં હાથ ધર્યા હતા. કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
બોમ્બ-ડોગ સ્કવોર્ડનું સર્ચ ઓપરેશન
બીજી તરફ ધમકીભર્યા ઇ-મેઇલ અંગે પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ તેમજ સ્થાનિક પોલીસની ટીમો તરત જ પારુલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચી ગઈ હતી. સમગ્ર કેમ્પસના અલગ-અલગ વિભાગો, બિલ્ડિંગો, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં બોમ્બ અને ડોગ સ્કવોર્ડ દ્વારા વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ
પારુલ યુનિવર્સિટી ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં રહેલા વિદ્યાર્થીઓમાં થોડો સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો. પરંતુ પ્રશાસન અને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
મેઈલના સોર્સ સુધી પહોંચવાનો પ્રયાસ
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ધમકીભર્યો ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાઇબર સેલની મદદથી ઈ-મેઈલના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થશે.
યુનિવર્સિટીમાં 65 હજારથી વધુ વિદ્યાર્થી
પારુલ યુનિવર્સિટીમાં દેશ-વિદેશના સેંકડો વિદ્યાર્થીઓ ભણે છે. અહીં ભારતના 29 રાજ્યો તેમજ 75થી વધુ દેશોના મળી કુલ 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.